મહાદેવ તો ભોળાનાથ કહેવાય છે. જે માત્ર ભક્તોના ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો કેટલાક ખાસ ઉપાય સાએથ મહાદેવની પૂજા કરવામાં આવે તો તો જાણે શિવભક્તોનો બેડો પાર થઈ ગયો સમજો !
ભગવાન શિવજીની પૂજા કરવી એકદમ સરળ માનવામાં આવે છે. કેમ કે ભગવાન શિવ તો છે ભોળાનાથ. તે જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થઇ તેમને મનોકામના પૂર્તિના આશીર્વાદ પ્રદાન કરે છે. મહાદેવ તો માત્ર એક લોટાજળથી પણ પ્રસન્ન થઇ જાય છે.જો કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઇપણ દિવસે તેમની પૂજા કરી શકાય છે, પરંતુ પ્રદોષ વ્રત અને સોમવારનો દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શિવજીની આરાધના કરવાથી ભોળાશંકરની વિશેષ કૃપા મેળવી શકાય છે. તો ચાલો જાણીએ શિવપૂજા સાથે જોડાયેલા સરળ અને પ્રભાવી ઉપાયો. જે કરવાથી આપની જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.
ભગવાન શિવની પૂજાના સરળ અને પ્રભાવશાળી ઉપાય
1) ગાયનું દૂધ દૂર કરશે તમામ દુ:ખ
માન્યતા છે કે શિવપૂજામાં ગાયના દૂધનું વિશેષ મહત્વ છે જો કોઇ ભક્ત કોઇપણ પ્રકારની બિમારી કે રોગથી પીડિત હોય તો તેણે આ રોગ-બિમારીમાંથી મુક્તિ માટે ભગવાન શિવને ગાયનું કાચું દૂધ અર્પણ કરવું. પરંતુ શિવપૂજા વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ભગવાન શિવને જળ કે દૂધ અર્પણ કરો ત્યારે કળશ તાંબાનો ન હોવો જોઇએ. કહેવાય છે કે શિવની પૂજા કરવા માટે આ ઉપાય જો કરશો તો તમને શિવજી તરફથી સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રદાન થશે.
2) મનોકામના પૂર્ણ કરશે ગંગાજળ
ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવે મોક્ષદાયિની ગંગાને પોતાની જટાઓમાં આશ્રય આપ્યો હતો. માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાન શિવને માત્ર ગંગાજળ અર્પણ કરવાથી જીવન સાથે જોડાયેલ તમામ દોષ દૂર થશે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
3) શત્રુ પર વિજય અપાવશે મહાદેવનો મંત્ર
હંમેશા જાણીતા અને અજાણ્યા શત્રુઓથી સંકટ રહેતું હોય તો આ ભયને દૂર કરવા માટે શિવજીની સાધના વિશેષ રૂપે કરવી જોઇએ. શત્રુઓ પર વિજય મેળવવા અને તેમનાથી જોડાયેલ ભયને દૂર કરવા માટે શિવપૂજામાં મહામૃત્યુંજય મંત્રની રુદ્રાક્ષની માળાથી જાપ કરવા જોઇએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)