રોજની રસોઈમાં ઘીનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમારે હેલ્ધી અને ફિટ રહેવું હોય તો રોજની ડાયટમાં મર્યાદિત માત્રામાં દેશી ઘીનું સેવન કરવું જોઈએ. દેશી ઘીને માખણમાંથી બનાવવામાં આવે છે. દેશી ઘીનું સેવન કરવાથી તમે હેલ્ધી અને ફિટ રહી શકો છો પરંતુ તેને કઈ રીતે ખાવ છો તે પણ મહત્વનું હોય છે. ઘીની અંદર કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવામાં આવે તો ઘી શરીર માટે ઔષધી સમાન બની જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે દેશી ઘીમાં તમે કઈ કઈ વસ્તુઓ ઉમેરીને ખાઈ શકો છો અને તેનાથી શરીરને કયા ફાયદા થાય છે.
હળદર અને ઘી
હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. સાથે જ તેમાં એવા તત્વ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવા માટે એક ચમચી હળદરને એક ચમચી ઘીમાં ઉમેરીને ખાઈ શકાય છે.
સૂંઠ અને ઘી
સૂંઠને જો તમે દેશી ઘીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું રાખો છો તો શિયાળામાં થતા વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ જેવી તકલીફ માંથી રાહત મળી જાય છે. શિયાળામાં સૂંઠ અને ઘી ખાવાથી છાતીમાં જામેલો કફ પણ છૂટો પડીને નીકળી જાય છે.
વરીયાળી અને ઘી
જો કોઈ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યા છે અથવા તો વારંવાર એસિડિટી થાય છે તો વરિયાળીના પાવડરને ઘીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટને ઠંડક મળે છે અને પેટના દુખાવા સહિતની પાચનની સમસ્યા દૂર થાય છે.
હિંગ અને ઘી
પેટમાં ગેસની સમસ્યા થાય તો હિંગ અને ઘી રામબાણ દવા જેવું કામ કરશે. તેના માટે દેશી ઘીમાં ચપટી હિંગ મિક્સ કરીને દર્દીને ખવડાવી દેવાથી પેટનો દુખાવો જેવી સમસ્યા માટે છે.
કાળા મરી અને ઘી
જો તમે ઓવરઓલ હેલ્થ માટે ઘીનું સેવન કરવા માંગો છો તો ઘીમાં કાળા મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો. કાળા મરી અને ઘી શરીરમાં હેલ્ધી ફેટ વધારે છે અને એક્સ્ટ્રા ફેટને દૂર કરે છે. સાથે જ તેનાથી શરીર પણ ડીટોક્ષ થાય છે અને શરીરના ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)