દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, પોતાનું એક ઘર હોય. ઘર બનાવ્યા બાદ દરેકની ઈચ્છા હોય છે કે, તેમના ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ થાય અને તેમના જીવનમાં પ્રગતિ થાય. પરંતુ ઘણી વખત આવું થતું નથી. લોકો અથાક મહેનત બાદ પણ પોતાની મહેનત પ્રમાણે ફળ મેળવી શકતા નથી. લોકોને આવું થવા પાછળનું કારણ પણ ખબર પડતી નથી. આ કારણો વિશે જ્યોતિષ શાસ્ત્ર છણાવટ કરે છે.
ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે પતનનું કારણ બની શકે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવી જોઈએ નહીં. જો તમારા ઘરમાં આ વસ્તુઓ હોય, તો તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, નહીંતર આ વસ્તુ પતનનું કારણ બને છે. ચાલો આ વસ્તુઓ વિશે જાણીએ.
બંધ ઘડિયાળ: સમય વિકાસનું પ્રતીક છે અને બંધ ઘડિયાળના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી વસ્તુઓ ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં બંધ ઘડિયાળ રાખવી પતનનું કારણ બની શકે છે. આ બંધ ઘડિયાળ તમારે રીપેર કરવી જોઈએ અથવા તો આવી બંધ ઘડિયાળનું દાન કરવું જોઈએ.
કાંટાળા છોડ: એવું માનવામાં આવે છે કે, ઘરમાં ગુલાબ અથવા અન્ય ઔષધીય છોડ સિવાય કેકટસ જેવા કાંટાળા છોડ રાખવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આવા કાંટાળા છોડ ઘરમાં ભૂલથી પણ રાખવા જોઈએ નહીં. આ છોડ અલ્પ એટલે કે ઓછો વિકાસ દર્શાવે છે.
જૂનું કેલેન્ડર: ઘડિયાળની જેમ કેલેન્ડર પણ વિકાસ દર્શાવે છે અને તે વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. તમારા ઘરની દિવાલો પર જૂનું કેલેન્ડર લટકાવવાનું ટાળો. જે મહિનો ચાલી રહ્યો છે, તેનું કેલેન્ડર પેજ જ પોતાની નજર સમક્ષ રાખો.
તૂટેલો અરીસો: તૂટેલો અરીસો ઘરમાં ન રાખવો જોઈએ, એવું કહેવાય છે કે, તૂટેલો અરીસો ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જામાં ઘટાડો થાય છે અને નકારાત્મકતા વધે છે. તૂટેલા કાચ ઉપર પડતો પ્રકાશ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. જો ઘરમાં કાચ ખરાબ કે તૂટેલો હોય, તો તેને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.
નકારાત્મક ચિત્ર: ઘરમાં ક્યારેય નકારાત્મક સંદેશ આપતી તસવીર ન રાખવી જોઈએ. એકલતા દર્શાવતી તસવીર, ઉદાસીની તસવીર, શિકારનું દ્રશ્ય, યુદ્ધનું દ્રશ્ય, ફૂલો કે ફળ વગરનું ઝાડ દર્શાવતું ચિત્ર, રડતી તસવીર ઘરે ન હોવી જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)