ભારત વર્ષ અંતર્ગત સનાતન ધર્મમાં કુલ ચાર નવરાત્રી આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રિ પણ છે. એક ગુપ્ત નવરાત્રી મહા મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં આવે છે. ચૈત્ર અને શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન મા કાલી અને દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન માતાની આરાધના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રી દરમિયાન કેવી રીતના પૂજા કરવી તે અંગે જાણો.
મહા મહિની ગુપ્ત નવરાત્રી 10 ફેબ્રુઆરીથી ચાલુ થઈ રહી છે. જે દરમિયાન કોઈપણ પ્રકારના ઉપવાસ કે, બીજી પૂજા અર્ચના કર્યા વગર માતાની ફક્ત આરાધના કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે અને નવરાત્રી દરમિયાન લોકોએ સાત્વિક જીવન જીવવું જોઈએ, જેમાં સાત્વિક ભોજન અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ નવરાત્રી ખાસ સાધકોના સાધના કરવા માટે છે, જોકે સામાન્ય નાગરિક પણ માતાની આરાધના કરીને પોતાની વિવિધ દુવિધામાંથી બહાર નીકળી શકે છે.
નવરાત્રી દરમિયાન કઈ પ્રકારની સાધના કરવી જોઈએ
કોઈપણ વ્યક્તિને ધંધાર્થે તકલીફ આવી રહી હોય અથવા ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ ઊભી થઈ રહી હોય, તો તેમણે નવ દિવસ સુધી પ્રતિ દિન 11 વખત દુર્ગાસપ્તશતીનો પાઠ માતા સમક્ષ દીવો કરીને કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય, તો શ્રી યંત્રનો શેરડીના રસથી અભિષેક કરી પૂજા કરવી. સાથે સાથે માતાની સામે ધૂપ દીવો કરીને લલિતાસહસ્ત્ર પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત લલિતાસહસ્ત્ર નામાવલી એટલે કે, માતાના હજાર નામની નામાવલીનો પાઠ કરીને માતાને ગુલાબની પંખુડીઓ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ગુપ્ત નવરાત્રીમાં દસ માતાની પૂજા કરવામાં આવે
ચૈત્ર અને શારદીય નવરાત્રી દરમિયાન દેવીના નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન દેવીના દસ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. જેમાં કાલિકા, તારા દેવી, ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર, ભૈરવી માતા, બગલામુખી માતા, ઘુમાવતિ માતા માતંગી માતા અને કમલાદેવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી શુ કામ કહેવામાં આવે છે?
આ નવરાત્રિમાં ગુપ્ત જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધનાનું મહત્વ છે અને તંત્ર સાધના ગુપ્ત રીતે જ કરવામાં આવે છે, તેથી જ તેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આમાં વિશેષ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દુર્ગાસપ્તશતી મા જણાવવામાં આવ્યા પ્રમાણે આ નવરાત્રીમાં ઉપાસના કરવાથી કોઈપણ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આથી જ કોઈ દુષ્ટ ઇરાદાથી સાધના કરીને મનોકામના પૂર્ણ ન કરી શકે તે માટે મા દુર્ગા દ્વારા તેને ગુપ્ત નવરાત્રી કરવામાં આવી હતી.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)