fbpx
Wednesday, January 22, 2025

આજે છે અંગારકી ચતુર્થી, ઉપવાસ કરવાનું છે વિશેષ માહાત્મ્ય

ભગવાન ગણેશની ઉપાસના કરવા સુદ પક્ષ અને વદ પક્ષની ચતુર્થી ‘ચોથ’ પર ઉપવાસ કરવાનું વિશેષ માહાત્મ્ય છે. કાર્યમાં સિદ્ધિ પ્રાપ્તિ માટે તેમજ સંકટ નિવારવા ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે. સુદ પક્ષમાં આવનાર ચતુર્થીને ‘વિનાયક’ ચતુર્થી કહે છે જ્યારે વદ પક્ષમાં આવતી ચતુર્થીને ‘સંકટ ચતુર્થી’ કહે છે. અને સંકટ ચતુર્થીના દિવસે મંગળવાર આવે ત્યારે તેને ‘અંગારકી ચોથ’ કહેવામાં આવે છે. આજે અંગારકી ચોથ છે અને ભક્તો સવારથી જ ‘બાપ્પા’ ના દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા છે.

ચંદ્રોદયના દર્શન કર્યા બાદ ઉપાસકો કરે છે ફળાહાર

ગણેશજીની કૃપા મેળવવા ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ સહિત વગેરે સ્તોત્રનું પઠન કરવું. ગણેશ ઉપાસના માટે અંગારકી ચોથને વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને રાતે ચંદ્રના દર્શન કર્યા બાદ ફળાહાર કરે છે. કહેવાય છે કે અંગારકી ચોથ 21 સંકટ ચતુર્થીનું ફળ આપે છે. માટે જે ભક્તો સંકટ ચતુર્થી ના કરી શકતા હોય તો તેઓએ આ અંગારકી ચોથનો ઉપવાસ અવશ્ય કરવો.

ગણેશના અનેક નામ છે. તેમનું સ્વરૂપ મંગલકારી છે. તેમના મુખના સ્થાન પર હાથીનું મસ્તક છે જે વિશાળતાનું પ્રતીક મનાય છે. હાથીને સર્વપ્રાણીઓમાં બુદ્ધિશાળી માનવામાં આવે છે. આમ હાથીનું મસ્તક ધારણ કરેલ દેવ ગણેશ બુદ્ધિદાતા અને વિઘ્નહર્તા માનવામાં આવે છે.

આ રીતે કરો ભગવાન ગણેશજીની પૂજા

સામાન્ય રીતે હિંદુઓમાં કોઈપણ શુભ કાર્ય પહેલા ગણેશ પૂજા કરવામાં આવે છે. ઘરનું વાસ્તુ હોય કે વિવાહ સંબંધ હોય કે પછી ફેકટરીનું ઉદઘાટન હોય તમામ શુભ પ્રસંગે સૌ પ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશજીની પૂજા સરળ છે. તમે જાતે આ પૂજા કરી શકો છો. કોઈ બ્રાહ્મણ કે આચાર્યની તેમાં જરૂર પડશે નહિ.

ભગવાન ગણેશની પૂજા માટે સૌ પ્રથમ નાનું કે લાકડાનું આસન લેવું, તેના પર બેસીને આચમન કરવું, કળશની અંદર ફૂલ પધરાવીને ‘ગંગા, યમુના, સરસ્વતી’ને વંદન કરવાં, ચાર દિશામાં કંકુનાં તિલક કરવાં, કળશને જમણી બાજુએ મૂકવો ત્યાર બાદ તે કળશનું જળ લઇને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું, શુદ્ધ ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી, ઘંટડી વગાડવી ત્યાર બાદ હાથમાં ફૂલ લઇને, રિદ્ધિ, સિદ્ધિ સાથે ગણેશજીનું ઘ્યાન કરવું. 

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા આ મંત્રનું કરો પઠન

ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ તમે ‘ગણપતિ અથર્વશીર્ષ’ અથવા તો ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ ના પાઠ કરી શકો છો. જો તેમ શક્ય ના હોય તો ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવો. મંત્રોચ્ચાર કર્યા બાદ ગણપતિજીને દૂર્વા  તેમજ લાલ રંગનું ફૂલ અર્પણ કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. ભગવાન ગણેશને વાનગીમાં મોદક પ્રિય છે. જે કોઈપણ વ્યક્તિને પોતાના મહત્વના કાર્યોમાં અવારનવાર વિઘ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય પ્રયત્ન કરવા છતાં પણ પૂર્ણ ના થતા હોય તો તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિઘ્નો દૂર થશે. અને ભગવાન ગણેશની તેમના પર કૃપા થશે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles