શુક્રવારનો દિવસ ધનના દેવી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે વિધિ વિધાનથી માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો શુક્રવારે વૈભવ લક્ષ્મી વ્રત પણ કરતા હોય છે. આ વ્રતના પુણ્ય પ્રતાપથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ જીવનમાં સુખ,સૌભાગ્ય અને ધન વધે છે. વૈભવ લક્ષ્મી વ્રત કરવાથી ઘરમાં રહેલા દોષ પણ દૂર થઈ જાય છે.
શુક્રવારના દિવસે જો તમે આ વ્રત કરી શકો નહીં તો શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરો છો તો પણ ફાયદો થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તો શુક્રવારના દિવસે આ ત્રણ કામ જરૂરથી કરવા. જો તમે દર શુક્રવારે આ ત્રણ કામ કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધશે સાથે જ જીવનમાં જો આર્થિક સમસ્યાઓ હશે તો તે પણ દૂર થવા લાગશે.
શુક્રવારના અચૂક ઉપાય
શુક્રવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી. આ દિવસે લક્ષ્મીનારાયણ ને અખંડિત ચોખામાંથી બનેલી ખીર અર્પણ કરવી. માતા લક્ષ્મીને ખીર અતિપ્રિય છે શુક્રવારે ખીર બનાવીને તેમને અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર પર હંમેશા રહે છે.
ધનના દેવી માં લક્ષ્મીને એકાક્ષી નાળિયેર પણ અતિ પ્રિય છે. શુક્રવારના દિવસે લક્ષ્મી મંદિરમાં જઈને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને એકાક્ષી નાળિયેર અર્પણ કરવું. આ ઉપાય કરવાથી પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા લક્ષ્મી કમળ પર બિરાજમાન હોય છે અને તેમને કમળ અતિપ્રિય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કમળનું ફૂલ અચૂક અર્પણ કરો. તેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ ઉપાય કરવાથી તુરંત ફળ મળે છે. આ સિવાય જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને ઘરમાં પણ કલેશનું વાતાવરણ રહેતું હોય તો શુક્રવારના દિવસે માં લક્ષ્મી ની પૂજા કરો. આ પૂજામાં ઘરના બધા જ સભ્યોએ હાજર રહેવું. પૂજા પછી માતા લક્ષ્મી સામે ઘરની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો અને માતા લક્ષ્મીને ધરાવેલી ખીરનો પ્રસાદ પરીવારના સભ્યોને આપો અને પોતે પણ ગ્રહણ કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે સૌહાર્દ રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)