શરીર સ્વસ્થ રહે તે માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે અને તેની સાથે જ નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરવી પણ જરૂરી છે. જો તમારી લાઈફ સ્ટાઈલ સારી છે, તમે પૌષ્ટિક આહાર પણ લો છો પરંતુ જો સારી ઊંઘ થતી નથી તો તેનાથી પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જો તમે નિયમિત રીતે ઓછી ઊંઘ કરો છો તો તેનાથી માનસિક સ્થિતિને અસર થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર એક વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી છ થી આઠ કલાકની ઊંઘ રોજ કરવી જોઈએ. રિસર્ચ અનુસાર જે લોકો પૂરતી ઊંઘ કરતા નથી તેમને શારીરિક અને માનસિક સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સારી ઊંઘ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે આ વાતને ધ્યાનમાં રાખીને નિયમિત છ થી આઠ કલાકની ઊંઘ કરશો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત રહેશે અને તમે વારંવાર બીમાર નહીં પડે. જો તમે પણ નિયમિત રીતે સારી ઊંઘ કરવા માંગો છો પણ થઈ શકતી નથી તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી તમે નિયમિત સારી ઊંઘ કરી શકશો.
સુતા પહેલા શું કરવું ?
સારી ઊંઘ કરવા માટે સુતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જેમકે રોજ એક સમય નક્કી કરો જ્યારે સુવા જતું રહેવું. સાથે જ સવારે જાગવાનો સમય પણ નક્કી કરો જેથી તમારી બોડી ક્લોક સુવાના અને જાગવાના સમય અનુસાર ડાયવર્ટ થઈ શકે. શનિ-રવિ રજાઓ દરમિયાન પણ આ સમયને ફોલો કરો. જો ઊંઘ આવવાની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલાં હુંફાળા પાણીથી નહાઈ લેવું. ત્યાર પછી ઊંડા શ્વાસ લેવા અને છોડવાનો અભ્યાસ થોડી મિનિટ કરવો. રાત્રે સુતા પહેલા રૂમમાં અંધારું કરવું અને મોબાઈલ નો ઉપયોગ બિલકુલ ન કરવો.
સુતા પહેલા શું ન કરવું ?
જો સુતા પહેલા તમે કેટલીક ભૂલ કરો છો તો તેનાથી ઊંઘ સારી નથી આવતી. જેમ કે સુવાના ચારથી પાંચ કલાક પહેલા કોફી કે ચા બિલકુલ ન પીવી. રાતનું ભોજન પણ હળવું રાખો. ભારી ભોજન કરવાથી પેટમાં તકલીફ થઈ શકે છે અને તેના કારણે ઊંઘ પણ ખરાબ થશે. રૂમમાં તીવ્ર લાઈટ રાખવાનું ટાળો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)