ઘણા લોકોને મોઢામાંથી વાસ આવવાની ફરિયાદ હોય છે. આ સમસ્યા ગંભીર નથી પરંતુ તમને શરમજનક સ્થિતિમાં ચોક્કસથી મૂકી શકે છે. એક રિસર્ચ અનુસાર દુનિયામાં 60% લોકો શ્વાસની દુર્ગંધથી પીડિત હોય છે. નિષ્ણાંતો અનુસાર જ્યારે મોંની સાફ-સફાઈ નું ધ્યાન રાખવામાં ન આવે, લસણ ડુંગળી જેવી વસ્તુઓનું વધારે સેવન કરવામાં આવે ત્યારે શ્વાસની દુર્ગંધની સમસ્યા વધી જાય છે. આ સિવાય વ્યક્તિની કેટલીક ખરાબ આદતોના કારણે પણ મોઢામાંથી વાસ આવે છે.
મોઢામાંથી વાસ આવવાના કારણ
સલ્ફર યુક્ત આહાર
ધુમ્રપાન કે દારૂ
પેઢાની બીમારી
મોઢામાં ઇન્ફેક્શન
દાંતમાં સડો
સફાઈનો અભાવ
મોઢામાંથી આવતી વાસને દૂર કરવાના ઉપાય
જ્યારે મોંમા બેક્ટેરિયા વધી જાય તો તેની લાળના કારણે મોઢામાંથી વાસ આવે છે. આવું ન થાય તે માટે દિવસમાં થોડી થોડી કલાકે કોગળા કરી મોં સાફ કરવું અને સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું.
જો મોંમાંથી સતત વાસ આવતી રહેતી હોય તો પોતાની સાથે તુલસી અને ફુદીનાના પાન રાખવા. થોડી થોડી કલાકે ફુદીનાના પાન અથવા તો તુલસીના પાન ચાવીને ખાઈ લેવા જોઈએ. તેનાથી ધીરે ધીરે મોઢામાંથી આવતી વાસ દૂર થઈ જશે.
મોંમાંથી આવતી વાસની સમસ્યા દૂર કરવા માટે કોઈપણ વસ્તુ ખાધા પીધા પછી દાંતને સારી રીતે સાફ કરવાનું રાખો. જો તમે ખોરાક લીધા પછી દાંતની અને મોઢાની સફાઈ નહીં કરો તો મોંમાંથી વાસ આવશે.
મોંમાંથી આવતી વાસને સફરજન પણ દૂર કરી શકે છે. સફરજન ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ બેઅસર થઈ જાય છે. સાથે જ તે દાંતને પણ સાફ કરે છે.
જો તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો તેનું મુખ્ય કારણ બેક્ટેરિયા હોઈ શકે છે. આ બેક્ટેરિયાને મારવા માટે લીંબુના ટુકડાને ચુસવાનું રાખો. આ સિવાય તમે એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવીને પણ પી શકો છો. લસણ કે ડુંગળી ખાધી હોય તો તેના પછી લીંબુનો રસ આ રીતે પીવો ઉપયોગી સાબિત થશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)