સંતરા વિટામીન સી અને ફાઈબરથી ભરપુર ફળ છે. તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પરંતુ વાત જો સંતરાનો જ્યૂસ પીવો અને સંતરું ખાવાની હોય તો મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે સ્વાસ્થ્ય માટે શું વધારે સારું? ઘણા લોકો કંફ્યુઝ હોય છે આ વાતને લઈને. તો ચાલો તમને જણાવીએ કે સ્વાસ્થ્યને કઈ વસ્તુ વધારે ફાયદો કરે છે. એટલે કે એક સંતરું ખાવું ફાયદાકારક છે કે સંતરાનું જ્યૂસ પીવું.
સંતરાનું ફળ
સંતરામાં ફાઈબરની માત્રા વધારે હોય છે. જે પાચન ક્રિયાને સુધારે છે અને હાર્ટની સમસ્યાનું જોખમ ઘટાડે છે. સંતરા વિટામીન સીનો સારો સોર્સ છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને સ્કિન પણ હેલ્ધી રહે છે. સંતરામાં કેલેરી ખૂબ ઓછી હોય છે જે વજન ઓછું કરવામાં અને હેલ્ધી વજન જાળવી રાખવામાં મદદ કરે છે.
સંતરાનો જ્યૂસ
સંતરાનો જ્યૂસ પીવો વધારે સુવિધાનજક લાગે છે. તેમાં પણ વિટામીન સી અને અન્ય પોષકતત્વો ભરપુર માત્રામાં હોય છે. પરંતુ એક ગ્લાસ સંતરાનો જ્યૂસ બનાવવા માટે 3થી 4 સંતરાનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. સંતરાનો જ્યૂસ તૈયાર કરવાની પ્રક્રિયામાં ફાઈબર નષ્ટ પણ થાય છે.
વધારે હેલ્ધી શું ?
એક ગ્લાસ સંતરાના જ્યૂસની સરખામણીમાં સંતરું ખાવું વધારે હેલ્ધી હોય છે. સંતરામાં નેચરલ સ્વીટનર હોય છે. સાથે જ એક ગ્લાસ જ્યૂસ બનાવવા માટે 3થી 4 સંતરાનો ઉપયોગ કરવો પડે છે. જ્યૂસ પીવાથી શરીરમાં સુગર ઝડપથી વધી જાય છે. જે ડાયાબિટીસના દર્દી માટે જોખમી છે. જો તમે હેલ્ધી વિકલ્પ જોઈ રહ્યા છો તો સંતરું ખાવું વધારે સારું રહે છે.
જો સંતરાનો જ્યૂસ પીવો હોય તો હંમેશા ફ્રેશ જ પીવો. એટલે કે સંતરાનો જ્યૂસ પીવા સમયે જ કાઢો અને તુરંત પી લેવો. કલાકો સુધી કાઢી રાખેલો જ્યૂસ પીવો નહીં.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)