સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહેવા માટે ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત ગ્રીન ટી સાથે કરે છે. તો ઘણા લોકો મોર્નિંગ ડ્રિંક તરીકે ફ્રૂટ જ્યૂસ પીવાનું પસંદ કરે છે. જો તમે તમારુ વજન ઘટાડવા માગતા હોય તો તમે તમારા દિવસની શરૂઆત અજમાના પાણી સાથે કરી શકો છો. સવારમાં ખાલી પેટ અજમાનું પાણી પીવાથી તમારા પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઇ શકે છે અને તમારી ઓવરઓલ હેલ્થને ગજબ ફાયદો થઇ શકે છે.
અજમાનો ઉપયોગ સામાન્ય રીતે ખાવા-પીવાની વસ્તુઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. આખી રાત એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણી પી જાવ. તેનાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાશે.
અજમાનું સેવન કરવાથી ડાઇજેશનની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે. આયુર્વેદમાં અજમાના બીજનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ માટે ઘરેલુ ઉપચારના રૂપમાં કરવામાં આવે છે.
ઘણા રિસર્ચમાં તે જાણવા મળ્યું છે કે, અજમાના બીજનો અર્ક પેપ્ટિક અલ્સર સામે લડી શકે છે. અજમાના બીજનો અર્ક ગેસ અને અપચાને રોકવા તથા તેનો ઇલાજ કરવામાં પણ મદદ કરી શકે છે. આ બીજમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જેના કારણે આ બીજ શરીરને આ બંને પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ અજમાનું પાણી પીવું ખૂબ જ લાભકારક છે. ઘણા એનિમલ સ્ટડીમાં તે જાણવા મળ્યું છે કે, અજમાના બીજનો પાવડર અને તેનો અર્ક હાઇ કોલેસ્ટ્રોલ તથા ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઓછુ કરવામાં અસરકારક હોઇ શકે છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ વધી જાય તો હાર્ટ હેલ્થ પર ખરાબ પ્રભાવ પડે છે. તેવામાં અજમાનું પાણી તમારી હાર્ટ હેલ્થને સારી રાખે છે. આ ઉપરાંત અજમાનું પાણી હાઇ બ્લડ પ્રેશરથી રાહત અપાવવામાં કારગર હોઇ શકે છે. તેમાં રહેલા તત્ત્વ બ્લડ પ્રેશરના લેવલને ઓછુ કરી શકે છે.
અજમો ખાંસીથી રાહત અપાવી શકે છે. અજમામાં ખાંસી દૂર કરવાની ક્ષમતા છે. અજમાના બીજ ફેફસામાં વાયુ પ્રવાહમાં પણ સુધાર કરી શકે છે.
અસ્થમાના દર્દી ડોક્ટરની સલાહ લઇને અજમાનું પાણી પીવે તો તેનાથી તેમના ફેફસાની હેલ્થ સારી થઇ શકે છે. અજમામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરીરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. શરીરના કોઇપણ અંગમાં સોજો આવી જાય, તો તેનાથી ક્રોનિક ડિસિઝનું જોખમ વધી જાય છે. તેવામાં અજમો ઘણી બીમારીઓથી બચાવી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)