વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિનો પર્વ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વિશેષ દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી જીવનના દુઃખ અને કષ્ટથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ધર્મ ગ્રંથ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાન જયંતી એટલે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષ અને શનિ દોષથી પણ મુક્ત થઈ શકાય છે. પિતૃ દોષ અને શનિ દોષના કારણે જીવનમાં જો સમસ્યાઓ ચાલતી હોય તો હનુમાન જયંતીના દિવસે આ ઉપાય કરવા જોઈએ.
હનુમાન જયંતીના ઉપાય
હનુમાન જયંતીના શુભ અવસર પર સુંદરકાંડ, હનુમાન ચાલીસા અથવા તો શની ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે. જે લોકોને શનિ દોષ સંબંધિત સમસ્યા હોય તેમણે આ ઉપાય કરવો જોઈએ.
હનુમાન જયંતીના દિવસે સંધ્યા સમયે શનિ દેવની વિશેષ ઉપાસના કરવા પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો. તેનાથી શનિદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતીના દિવસે શનિ મંત્રની એક માળા કરવી. સાથે જ જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા તલ, લોઢાનું વાસણ કે અનાજ દાનમાં આપવું.
હનુમાન જયંતીના દિવસે વ્રત રાખવું અને આ દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ મિક્સ કરી સ્નાન કરવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુનો પાણીમાં કાળા તલ ઉમેરીને અભિષેક કરવો. આ ઉપાય કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
ચૈત્ર પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પણ વિશેષ લાભ મળે છે. આ દિવસે પિતૃઓના મોક્ષાર્થે તર્પણ પણ કરી શકાય છે. તેનાથી પિતૃદોષના પ્રભાવ દૂર કરી શકાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)