આજકાલ હાઈ બ્લડ પ્રેશરની બીમારી સામાન્ય થઈ ગઈ છે, જેનાથી રાહત મેળવવા લોકો દવાનો સહારો લે છે. પરંતુ કેટલાક શાક એવા છે, જેનું નિયમિતપણે સેવન કરવાથી આવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. બીટરૂટ આ પૈકીનું એક શાકભાજી છે.
બીટરૂટ કચુંબર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તેને રાંધીને શાક પણ બનાવવામાં આવે છે. બીટનું શાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બીટમાં નાઈટ્રેટ હોય છે. તે શરીરમાં રક્ત પરિભ્રમણને નોર્મલ રાખે છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ પણ દૂર થાય છે.
બીટરૂટના સેવનથી માત્ર હાઈ બ્લડ પ્રેશર કે, સ્ટ્રોકનો ખતરો તો દૂર થાય જ છે, સાથોસાથ પેટના વિવિધ રોગો જેવા કે કમળો, ઝાડા અને કોલેરા જેવી બીમારીમાં પણ રાહત આપે છે. બીટ ફેટી લીવરની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે. બીટરૂટમાં વિટામીન સી, પોટેશિયમ, આયર્ન અને અન્ય ઓર્ગેનિક તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરના વિવિધ પોષક તત્વો પૂરા પાડવામાં મદદ કરે છે. બીટ વજન નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બીટરૂટમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીટ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. બીટ શરીરમાં કેલ્શિયમ જાળવી રાખવામાં મદદ કરે છે.
નાની ઉંમરથી બીટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં હાડકાની સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થાય છે. બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેથી એનિમિયાની સારવાર માટે બીટ ખૂબ જ ફાયદાકારક છે. સાથોસાથ તે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે, જેથી ઉનાળામાં વિવિધ શાકભાજી સાથે બીટ અવશ્ય ખાવું જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)