ઉનાળામાં પરસેવો થાય તે સામાન્ય વાત છે. પરંતુ જો પરસેવો વધારે પ્રમાણમાં થાય તો શરીરમાંથી વાસ આવવા લાગે છે. ઘણા લોકોના પરસેવામાંથી એટલે દુર્ગંધ આવે કે તેની પાસે બેસવું પણ અન્ય લોકો માટે મુશ્કેલ થઈ જાય. શરીરમાંથી આવતી પરસેવાની વાસ જાહેર જગ્યાએ કોઈ પણ વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે.
જે લોકોને વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય અને વાસ પણ આવતી હોય તેવો મોંઘા મોંઘા પરફ્યુમનો ઉપયોગ કરે છે. પરંતુ આવી વસ્તુઓની અસર પણ થોડા કલાકો સુધી જ રહે છે. સાંજ સુધીમાં તો તેની સુગંધ પણ ઉડી જાય છે અને ફરીથી પરસેવાની દુર્ગંધ સતાવે છે. આવી સ્થિતિમાં જો તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવો છો તો પરસેવાની વાસથી છુટકારો મેળવી શકો છો. આજે તમને 5 એવા ઘરેલુ નુસખા જણાવીએ જે શરીરની દુર્ગંધને દૂર કરી શકે છે.
લીંબુનો રસ
લીંબુમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. જે પરસેવાને બદબુદાર બનાવતા બેક્ટેરિયાને મારે છે. પરસેવાની દુર્ગંધને દૂર કરવી હોય તો નહાયા પછી લીંબુના રસમાં રુ બોળીને શરીરના એ અંગો પર લીંબુનો રસ લગાડો જ્યાં પરસેવો વધારે થતો હોય. લીંબુનો રસ સંવેદનશીલ ત્વચા પર ન લગાડવો.
બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ પરસેવાને શોષી લે છે અને બદબુ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો પરસેવાની વાસ વધારે પ્રમાણમાં આવતી હોય તો નહાવા જાવ તે પહેલા એ અંગો પર બેકિંગ સોડા લગાડો જ્યાં પરસેવો વધારે થતો હોય. બેકિંગ સોડાને થોડી મિનિટ રહેવા દો અને પછી નહાઈ લેવું.
વિનેગર
એપલ સાઇડર વિનેગર પણ પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે કારગર છે. તેના માટે અડધો કપ પાણીમાં અડધો કપ એપલ સાઇડર વિનેગર મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. નહાયા પછી આ મિશ્રણને શરીર પર છાંટો. એપલ સાઇડર વિનેગરના એસિડીક ગુણ શરીરમાં ગંધ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાનો નાશ કરી દેશે.
બટેટા
પરસેવાની વાસથી છુટકારો મેળવવા માટેનો આ અસરકારક ઈલાજ છે. બટેટાની મદદથી પણ તમે પરસેવાની દુર્ગંધને દૂર કરી શકો છો. આ કામ નહાવા જાઓ તે પહેલા કરવાનું છે. બટેટાનો એક ટુકડો કરી શરીરના એ અંગો પર લગાડો જ્યાં પરસેવો વધારે થતો હોય અને વાસ આવતી હોય. થોડી મિનિટ રહેવા દો અને પછી સ્નાન કરી લો.
ફુદીનો
ફુદીનો પણ શરીરની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. ફુદીનાના પાનની પેસ્ટ બનાવી તેને શરીર પર લગાડો. થોડી મિનિટ રહેવા દો અને પછી પાણીથી તેને સાફ કરી લો. ફુદીનાની પેસ્ટ પણ દુર્ગંધ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દેશે. સવારે તમે આ કામ કરી લેશો તો આખો દિવસ શરીરમાંથી વાસ નહીં આવે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)