કેટલાક ફળ એવા છે જે ફક્ત ઉનાળામાં જ માર્કેટમાં જોવા મળે છે. આ ફળ ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને લાભ થાય છે. ઉનાળાના ફળમાં કેરી, તરબૂચ, લીચી, જાંબુ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને જાંબુની રાહ સૌથી વધુ ડાયાબિટીસ હોય તે લોકો જોતા હોય છે. આ ફળ ડાયાબિટીસમાં લાભ કરે છે તે વાત તો સૌને ખબર હશે પરંતુ આ ફળ જેને બ્લેક પ્લમ અને જાવા પ્લમ પણ કહેવાય છે તે ઓવરઓલ હેલ્થને પણ લાભ કરે છે. જાંબુ ખાવાથી શરીરને 5 સૌથી મોટા ફાયદા થાય છે.
જાંબુ ખાવાના ફાયદા
જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. તેમાં જમ્બોલીન નામનું કંપાઉંડ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જાંબુના ઠળીયાનો પાવડર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે.
જાંબુ પાચન તંત્ર માટે લાભકારી છે. તેમાં ફાયબર વધારે હોય છે જે પાચન સુધારે છે. તેનાથી કબજિયાતની સમસ્યા મટે છે. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા જેમકે એસિડિટી, ગેસ સહિતની સમસ્યાથી રાહત મળે છે.
જાંબુમાં આયરન ભરપુર માત્રામાં હોય છે તે રક્તસંચાર સુધારે છે. તે હીમોગ્લોબિનના સ્તરને વધારે છે. એનિમીયા જેવી બીમારીમાં જાંબુ લાભ કરે છે.
જાંબુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જાંબુ ખાવાથી ખીલ, ડાઘ જેવી ત્વચાની સમસ્યા ઓછી થાય છે. જાંબુનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચા પર કુદરતી ગ્લો વધે છે.
જાંબુમાં વિટામીન સી અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીર સંક્રમણથી બચે છે. તેનાથી શરીરને શરદી, ઉધરસ, ફ્લુ જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)