આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઘડિયાળના કાંટે દોડે છે. આ દોડધામમાં લોકો શરીરના આરામને અને તેની તકલીફોને ધ્યાનમાં લેતા નથી. આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે. તેથી જો આ 4 લક્ષણો જોવા મળે તો તમારા બીઝી રૂટિનમાંથી બ્રેક લઈ લેજો. આપણું શરીર જ્યારે થાકે છે ત્યારે અલગ અલગ રીતે તેના સંકેત પણ આપે છે. આ સંકેત નીચે દર્શાવ્યા અનુસાર છે.
ઈમોશનલ ફેરફાર
જ્યારે શરીર થાકી ગયું હોય અને તેને આરામ ન મળતો હોય તો ઈમોશનલ ફેરફાર થવા લાગે છે. કેમકે અચાનક જ કારણ વિના ઉદાસીનો અનુભવ થવો, સ્વભાવ ચીડિયો થઈ જવો, નિરાશનો અનુભવ થવો. એવું લાગે કે લાઇફમાં કઈ રહ્યું જ નથી.. જો આવો અનુભવ થાય તો સમજી લેજો તમારા શરીરને બ્રેકની જરૂર છે. સતત દોડધામ અને કામના પ્રેશરના કારણે મેન્ટલ હેલ્થ પ્રભાવિત થઈ રહી છે જેના કારણે ઈમોશનલ ફેરફાર થવા લાગે છે. આવી સ્થિતિમાં રૂટિન લાઇફથી બ્રેક લઈ શરીર અને મનને આરામ આપો.
ઊંઘમાં સમસ્યા
જો રાત્રે ઊંઘ બરાબર ન થાય અને સવારે રોજ જલ્દી જાગી જવું પડે તો શરીરમાં થાકનો અનુભવ સતત થાય છે. ઊંઘ ફીઝીકલ અને મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. જો પૂરતી ઊંઘ ન થાય તો કામ કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. જો તમે રોજ ઓછી ઊંઘ કરો છો અને શરીરમાં સતત થાક રહે છે તો રાત્રે બધા જ કામ પડતા મૂકી શરીરને આરામ આપો અને જલ્દી સુવાની ટેવ પાડો.
શારીરિક સમસ્યા
ઘણી વખત શરીર થાકી ગયું છે અને તેને આરામની જરૂર છે તે વાતનો સંકેત શારીરિક સમસ્યા સ્વરૂપે જોવા મળે છે . જેમકે માથામાં દુખાવો રહેતો હોય, શરીર દુખતું હોય, પગમાં દુખાવો, પેટની સમસ્યા હોય. જો આ પ્રકારની સમસ્યાઓ વારંવાર થતી હોય તો સમજી લેજો કે તમારા શરીરને આરામની જરૂર છે. આરામ ન મળવાના કારણે શરીરમાં સમસ્યાઓ થઈ રહી છે.
ફોકસ અને યાદશક્તિનો અભાવ
જ્યારે તમે સતત થાકેલા હોય તો કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેને યાદ રાખવામાં પણ સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં વારંવાર કામમાં ભૂલ પણ થાય છે. જો તમે પણ કોઈ વસ્તુ પર ફોકસ કરી શકતા નથી અને વારંવાર વસ્તુઓને ભૂલી જાવ છો તો પછી રૂટીન લાઈફથી બ્રેક લઈ શરીરને આરામ આપો. સાથે જ ક્રિએટિવ એક્ટિવિટીમાં ભાગ લેવાનું રાખો..
શરીરની આ ચેતવણીઓને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી. જો આ સંકેતો મળ્યા પછી પણ તમે શરીરને બ્રેક નથી આપતા તો થાકેલું શરીર અને મન તમને સફળતા સુધી પણ પહોંચવા નહીં દે. બ્રેક લીધા વિના સતત દોડતા રહેવાને બદલે થોડા થોડા સમયે રૂટિનમાંથી બ્રેક લઈ આરામ કરી લેવો વધારે યોગ્ય રહેશે. બ્રેક લીધા પછી જ્યારે તમે હેલ્ધી મન અને શરીર સાથે કામ કરશો તો કાર્યક્ષમતા પણ વધશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)