fbpx
Monday, November 25, 2024

વરસાદી વાતાવરણમાં શરદી-ખાંસી થાય તો આ ઘરગથ્થુ ઉપાય તરત જ રાહત આપશે

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ વરસાદનું આગમન પણ થઈ ગયું છે. વરસાદના વાતાવરણમાં અલગ જ તાજગી અને ઠંડક છવાઈ જાય છે. ખાસ કરીને પહેલાં વરસાદમાં લોકો નહાવાની મજા પણ માણતા હોય છે. પહેલા વરસાદમાં ન્હાયા પછી કેટલાક લોકોને શરદી-ઉધરસ પણ થઈ જાય છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હોય છે જેમને વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થાય છે. વરસાદી વાતાવરણમાં થતી શરદી-ઉધરસની સમસ્યાથી રાહત મેળવવા માટે દવા લેવાની જરૂર નથી. સીઝનલ શરદીથી મુક્તિ મેળવવાના પાંચ સરળ ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ. 

શરદી-ઉધરસ માટે ઘરેલુ ઉપાય

સ્ટીમ લેવી 

સ્ટીમ લેવાથી શરદીના કારણે બ્લોક થયેલું નાક ખુલી જાય છે. સ્ટીમ લેવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. સ્ટીમ લેવાના પાણીમાં તમે નીલગીરીનું તેલ અથવા બામ પણ ઉમેરી શકો છો. દિવસમાં બે થી ત્રણ વખત સ્ટીમ લેવાથી શરદી મટી જાય છે. 

હળદરવાળું દૂધ 

હળદર એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તે શરદી અને ઉધરસથી તુરંત રાહત આપે છે. વરસાદી વાતાવરણમાં જો શરદી જેવું લાગે તો એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરીને રાત્રે પી લેવું. શરદી ઉધરસથી તુરંત રાહત મળી જશે.

મધ અને આદુ 

મધ અને આદુ પણ શરદી, ઉધરસના દુશ્મન છે. વરસાદી વાતાવરણમાં શરદી જેવું લાગે તો મધ અને આદુના રસને સમાન માત્રામાં લઇ મિક્સ કરી તેનું સેવન કરવું. તેનાથી ગળાનો દુખાવો પણ મટી જાય છે. 

મીઠાના પાણીના કોગળા 

ઉધરસના કારણે જો ગળામાં દુખાવો રહેતો હોય તો પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવા જોઈએ. શરદી જેવું હોય ત્યારે દિવસમાં બે થી ત્રણ વખત આ રીતે કોગળા કરી લેશો તો ગળામાં આવેલો સોજો પણ ઉતરી જશે અને ઇન્ફેક્શન પણ મટી જશે. 

તુલસી અને મરીની ચા 

કાળા મરી અને તુલસી એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. વરસાદી વાતાવરણમાં શરદી થઈ જાય તો પાણીમાં થોડા તુલસીના પાન અને મરીનો પાવડર ઉમેરી ઉકાળો. હવે આ ચાને ગાળી અને ગરમ ગરમ હોય ત્યારે જ પી લેવી. આ ઉકાળામાં તમે મીઠું પણ ઉમેરી શકો છો. દિવસમાં બે વખત આ ચા પી લેશો તો શરદી ઉધરસ દવા વિના મટી જશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles