હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. વૈદિક પંચાંગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તિથિ અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતી તરીકે પણ ઓળખાય છે. તેમજ આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસને વેદ વ્યાસજીના જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા પાઠ અને વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ.
ગુરુ પૂર્ણિમા 2024 તારીખ
વૈદિક પંચાગ અનુસાર અષાઢ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભ 20 જુલાઈએ સાંજે 6.01 વાગ્યે શરૂ થઇ રહ્યો છે અને 21 જુલાઈએ બપોરે 3.46 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર ઉદયાતિથિથી કોઇ તહેવાર મનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં 21મી જુલાઈએ પૂનમનું વ્રત કરવામાં આવશે અને 21મીએ ગુરુની પૂર્ણિમાનું દાન પૂણ્ય કરવામાં આવશે.
સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે ગુરુ પૂર્ણિમા
પંચાગ મુજબ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ સવારે 5.37 વાગ્યાથી શરૂ થશે અને તે મોડી રાત્રે 12.01 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન તમે દાન-પુણ્ય કરી શકો છો.
જાણો પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઉઠો અને આ દિવસે શાસ્ત્રોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિધાન છે. પરંતુ જો તમે નદીઓમાં સ્નાન ન કરી શકતા હોય તો તમે ઘરમાં થોડું ગંગાનું પાણી ઉમેરીને સ્નાન કરી શકો છો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા પાઠ પર તમારા ગુરુની તસવીર સ્થાપિત કરો.
ગુરુ વ્યાસ સાથે, શુક્રદેવ અને શંકરાચાર્ય જેવા ગુરુઓનું પણ આહ્વાન કરો છે અને “ગુરુપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજા કરિષ્યે” મંત્રનો જાપ કરો. જો તમે કોઇને ગુરુ બનાવ્યા છે તો તેમના ઘરે જઈને તેમની પૂજા કરો અને આશીર્વાદ લો. એવી પણ માન્યતા છે કે આ દિવસે વેદ વ્યાસજીએ ચાર વેદોની રચના કરી હતી. આ દિવસે ગુરુ પોતાના શિષ્યોને દીક્ષા પણ આપે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)