જીવનશૈલીમાં પરીવર્તન અને ખરાબ ખાણીપીણીના કારણે લોકો આજકાલ કબજિયાતનો શિકાર બને છે. સવારે પેટ યોગ્ય રીતે સાફ ન થવાથી આખો દિવસ અનકમ્ફર્ટેબલ અને ચીડિયાપણું અનુભવાય છે. જેના કારણે દિનચર્યા પણ પ્રભાવિત થાય છે. આ સમસ્યાથી પીડિત લોકોને વારંવાર શૌચાલય જવાની જરૂર પડે છે. આજે મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે, પરંતુ જે લોકો કબજિયાતને અવગણે છે, તેમની સમસ્યા ધીમે ધીમે વધી જાય છે.
તેથી કબજિયાતને નજરઅંદાજ કરવી તમને મોંઘી પડી શકે છે. પાછળથી તે પાઈલ્સ જેવા રોગોનું કારણ બની શકે છે. ખારા ખોરાકના સેવનથી કબજિયાતની સમસ્યા વધે છે. કબજિયાત દૂર કરવા માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે. ક્રોનિક કબજિયાતથી પણ છુટકારો મેળવવા માટે કેટલાક આયુર્વેદિક પાંદડા રામબાણ ગણાય છે.
ફુદીનો
ફુદીનાને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. આ પાંદડા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકોને તેને અનેક રીતે ડાયટમાં સામેલ કરે છે. બીજી તરફ કબજિયાતની સમસ્યામાં આ એક રામબાણ ઇલાજ છે. એસિડિટી, કબજિયાત અને ગેસમાંથી રાહત આપવામાં ફુદીનાના પાંદડા ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેની ચટણી, હર્બલ ટી, અથવા ડાયરેક્ટ તેના પાંદડા ચાવીને પણ સેવન કરી શકો છો. ફુદીનાના પાંદડા પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને તેની તાસીર ઠંડી હોવાથી પેટમાં ઠંડક રહે છે, જેથી તાજગીનો અહેસાસ થાય છે અને કબજિયામાંથી છૂટકારો મળે છે.
કોથમીર
કોથમીરના પાંદડામાં ફાઇબર પ્રચૂર માત્રામાં હોય છે, આ ઉપરાંત તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે, જે આંતરડા સંબંધિત સમસ્યાઓ જેવી કે મળ સરખું ન આવવું અને સોજો દૂર કરીને કબજિયાતમાંથી રાહત આપવામાં મદદ કરે છે. કોથમીરની ચટણી બનાવીને પણ તમે તેનું સેવન કરી શકો છો. તે પેટની ગરમીને દૂર કરે છે. ચટણીમાં વધારે લીલા કે લાલ મરચાનો ઉપયોગ ન કરવો.
અજમાના પાન
જો તમને ખાલી પેટ અથવા જમ્યા પછી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થાય છે તો અજમાના પાંદડા ચાવવાથી કે તેની ચટણી ખાવાથી ઘણો ફાયદો થશે. જે લોકો કબજિયાતથી પરેશાન છે, તેમના માટે આ કારગર ઇલાજ છે. અજમાના પાંદડાને ચા તરીકે પણ લઇ શકો છો.
નાગરવેલના પાન
નાગરવેલના પાંદડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે આપણા શરીરનું પીએચ લેવલ જાળવી રાખે છે. જૂનામાં જૂની કબજિયાત દૂર કરવામાં પણ આ પાન મદદરૂપ થાય છે. કબજિયાતમાંથી છૂટકારો મેળવવા માટે નાગરવેલના પાનને મિક્સરમાં બારીક પીસી લો અને રાત્રે તેને પાણીમાં પલાળીને રાખો. હવે સવારે ગાળીને ખાલી પેટ સેવન કરો. તમે તેના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણીમાં નાગરવેલના પાન નાખીને તેને અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળી લો. હવે ગ્લાસમાં ગાળીને ધીમે ધીમે પીવો.
મૂળા
મૂળા ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તેના પાનનું સેવન કરવાથી પેટ ફુલવું, ગેસ અને કબજિયાતની પરેશાનીમાંથી છૂટકારો મળે છે. તેના પાનમાં ફાઇબર, બોડીને ડિટોક્સ કરવું અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાના ગુણો હોય છે. મૂળાના પાનની ચટણી બનાવવી ખૂબ સરળ છે. તેને હિંગ અને બ્લેક સોલ્ટ સાથે લેવાથી વધારે ફાયદો થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)