પોષ મહિના પછી માઘ મહિનો આવે છે અને આ મહિનામાં પૂજા-પાઠ, સ્નાન-ધ્યાન અને દાન-પુણ્ય સહિતની અનેક ધાર્મિક વિધિઓ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં માઘ માસનું વિશેષ મહત્વ છે. માઘ મહિનામાં ઘણા વ્રત અને તહેવારો આવે છે. જેમાં વસંત પંચમી પણ એક છે. આ વખતે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023 ના રોજ ઉજવવામાં આવશે.
શાસ્ત્રોમાં વસંત પંચમીને મુખ્ય તહેવાર માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાન, કીર્તિ અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ વસંત પંચમી 2023 નો શુભ સમય, તારીખ અને મહત્વ.
વસંત પંચમી તારીખ અને મુહૂર્ત
વસંત પંચમીનો દિવસ તમામ પ્રકારના શુભ કાર્ય માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમી દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી 2023ના રોજ છે. પંચાંગની ગણતરી મુજબ, માઘ મહિનાની પંચમી તિથિ 25 જાન્યુઆરી, 2023 ના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થશે, જે 26 જાન્યુઆરીએ સવારે 10:38 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં, કોઈપણ વ્રત-ઉત્સવ માત્ર ઉદયા તિથિના આધારે ઉજવવામાં આવે છે. તિથિ અનુસાર 26 જાન્યુઆરી 2023 ના રોજ વસંત પંચમી ઉજવવામાં આવશે.
વસંત પંચમી પૂજા મુહૂર્ત: 07:12 થી 12:33 સમયગાળો – 5 કલાક 21 મિનિટ
વસંત પંચમીનું મહત્વ
વસંત પંચમીના દિવસથી વસંતઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી રતિ અને ભગવાન કામદેવની વિશેષ પૂજા વસંત પંચમી તિથિએ જ કરવામાં આવે છે. કામદેવની પૂજા કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ આવે છે. શિક્ષણ, સાહિત્ય, કળા, અભ્યાસ અને અધ્યાપન ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે વસંત પંચમીનો તહેવાર વિશેષ છે. આ તિથિએ દરેક વ્યક્તિ માતા સરસ્વતીની પૂજા કરે છે. સૂર્યોદય પછી અને મધ્યાહ્ન પહેલા વસંત પંચમીની પૂજા કરવાનો રિવાજ છે.
વસંત પંચમી પૂજાવિધિ
વસંત પંચમીના દિવસે વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે બપોર પહેલા પીળા વસ્ત્રો ધારણ કરી અને કપાળ પર પીળુ તિલક લગાવીને દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ. દેવી સરસ્વતીની પૂજામાં પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળી મીઠાઈ, હળદર અને પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, વિવેક અને કીર્તિ મળે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)