જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિને કારણે કેટલાંક શુભ અને કેટલાંક અશુભ યોગ સર્જાતા હોય છે. તેમાંથી કેટલાંક દોષ ખૂબ જ હાનિ પહોંચાડનારા પણ હોય છે. કાલસર્પ દોષ પણ તેમાંથી જ એક છે. એટલા માટે આ યોગ નહીં પણ એક દોષ મનાય છે. અલબત્, કેટલાક વિશેષ ઉપાયો કરીને આ પ્રકારના દોષના અશુભ પ્રભાવમાંથી બચી શકાય છે.
એમાં પણ આ ઉપાયો ખાસ તિથિ પર જ કરવામાં આવે તો તેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. અને આવી જ એક શુભ તિથિ એટલે મૌની અમાસ.
4 રાજયોગ સાથે મૌની અમાસ !
આજે મૌની અમાસ અને શનિવારી અમાસનો શુભ સંયોગ છે. ખાસ વાત એ છે કે આજે 4 રાજયોગનો સંયોગ થઈ રહ્યો છે. આ ચાર રાજયોગ છે હર્ષ, વરિષ્ઠ, સત્કીર્તિ અને ભારતી. આ યોગને કારણે આજની તિથિ વિશેષ બની ગઈ છે. એમાં પણ આ સંયોગ કાલસર્પ દોષથી મુક્તિ અર્થે સર્વોત્તમ મનાય છે. ત્યારે આવો એ પણ જાણીએ કે આજે કયા ઉપાયો કરીને આ દોષથી રાહની પ્રાપ્તિ કરી શકાશે.
શિવજીના આશીર્વાદ
⦁ આજે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને ભગવાન શિવની પૂજા કરવી અને મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઇએ.
⦁ શિવલિંગ પર ચાંદીના નાગ-નાગણીનું જોડું અર્પણ કરવું અને મહાદેવ આગળ શુભ ફળની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. આ ઉપાય કરવાથી જલ્દી જ આપને કાલસર્પ દોષના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળશે.
કાલસર્પ યંત્રનો મહિમા
⦁ મૌની અમાસના દિવસે કાલસર્પ યંત્રની સ્થાપના પોતાના ઘરના પૂજા સ્થાનમાં કરવી જોઇએ. આ યંત્ર પૂજાપાની દુકાન પર સરળતાથી પ્રાપ્ત થાય છે.
⦁ કાલસર્પ યંત્ર સમક્ષ સવાર સાંજ દીપ પ્રજવલિત કરવો જોઇએ. તેના પ્રભાવથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થશે અને શુભ ફળની પ્રાપ્તિ થશે.
⦁ માન્યતા અનુસાર નિત્ય જ આ કાલસર્પ યંત્રના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ સંકટોનું શમન થવા લાગે છે.
રાહુ-કેતુના ઉપાયો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષનું મુખ્ય કારણ રાહુ-કેતુના ગ્રહ છે. એટલે મૌની અમાસના દિવસે જો આ ગ્રહો સંબંધિત ઉપાય કે મંત્ર કરવામાં આવે તો કાલસર્પ દોષના અશુભ પ્રભાવથી બચી શકાય છે. આ માટે નીચે જણાવેલ મંત્રોનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો ફળદાયી બની રહેશે.
⦁ ૐ રાં રાહવે નમઃ
⦁ ૐ કેં કેતવે નમઃ
ફળદાયી મંત્ર
મૌની અમાસના દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવો જોઇએ. તેનાથી કાલસર્પ દોષના અશુભ પ્રભાવથી થોડી રાહત મળી શકે છે. આ મંત્રોનો જાપ જો તમે નિત્ય કરો છો તો તમારી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.
અનંત વાસુકિં શેષં પદ્મનાભં ચ કમ્બલમ્ ।
શંખપાલં ધૃતરાષ્ટ્રં તક્ષકં કાલિયં તથા ।।
એતાનિ નવ નામાનિ નાગાનાં ચ મહાત્મનામ્ ।
સાયંકાલે પઠેન્નિત્યં પ્રાતઃ કાલે વિશેષતઃ ।।
વિશેષ પૂજા
કાલસર્પ દોષ નિવારણની વિશેષ પૂજા માટે પણ મૌની અમાસ ઉત્તમ મનાય છે. અલબત્, તેના માટે કોઇ જાણકાર અને વિદ્વાન જ્યોતિષી કે બ્રાહ્મણની સલાહ અને માર્ગદર્શન અવશ્ય લેવા જોઈએ. ઉજ્જૈન, નાસિક અને ત્ર્યંબકેશ્વર એવાં સ્થાન છે કે જે કાલસર્પ દોષની પૂજા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. કહે છે કે આ સ્થાનકો પર આ પૂજા કરાવવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જો આ પૂજા માટે આ સ્થાનકો પર ન જઇ શકાય તો કોઇ નદીના તટ પાસે પણ આ પૂજા કરાવી શકાય છે. આ ઉપાય કરવાથી આપને કાલસર્પ દોષ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)