fbpx
Tuesday, September 10, 2024

વર્ષ 2023 ની પ્રથમ અમાસ એટલે શનિવારી અમાસ! જાણો કેવી રીતે મળશે શનિદેવની કૃપા?

વર્ષ 2023ની સર્વ પ્રથમ અમાસ આ વખતે 21 જાન્યુઆરી, શનિવારના રોજ છે. એટલે કે શનિવાર અને અમાસનો અદભુત સંયોગ તો છે જ. પણ, સાથે જ ગુજરાતી પંચાંગ અનુસાર આ પોષ મહિનાની અમાસ હોઈ, તે મૌની અમાસ તરીકે ઓળખાય છે. એટલે કે વર્ષની પહેલી જ અમાસ પર શનિવારી અમાસ અને મૌની અમાસનો અદભુત સંયોગ સર્જાયો છે. માન્યતા અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી તો પુણ્યની પ્રાપ્તિ થશે જ.

સાથે જ, શનિ ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાયો પણ પરમ ફળની પ્રાપ્તિ કરાવનારા બની રહેશે. આવો, તે વિશે વિગતે જાણીએ.

શનિવારી અમાસ કેમ છે ખાસ ?

શનિવારી અમાસને શનિશ્ચરી અમાસ પણ કહે છે. નવા વર્ષની પહેલી જ અમાસ આ શનિશ્ચરી અમાસ છે. અને વળી, મૌની અમાસનો સંયોગ પણ છે. આ અમાસ એટલે પણ ખાસ છે કેમ કે, શનિ પોતાની મૂળ રાશિ કુંભમાં રહેશે. શનિશ્ચરી અમાસ પહેલાં જ શનિદેવે તેમની રાશિ કુંભમાં 30 વર્ષ બાદ પ્રવેશ કર્યો છે અને આ કારણથી જ આ અમાસનું મહત્વ અનેકગણું વધી જાય છે. તેની સાથે જ આ વખતે શનિશ્ચરી અમાસના દિવસે ખાસ યોગ પણ રચાયા છે. આ અમાસ પર ચતુરગ્રહી યોગ, ષડાષ્ટક યોગ અને સમસપ્તક યોગ હોવાના કારણે તેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. એટલે કે, શનિદેવને પ્રસન્ન કરવાનો અને પોતાની ખામીઓ માટે પ્રાયશ્ચિત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ અવસર બની રહેશે.

કેવી રીતે મળશે શનિદેવની કૃપા ?

⦁ શનિવારી અમાસે શનિદેવની પ્રિય વસ્તુઓનું દાન કરીને તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકશો.

⦁ આ દિવસે કાળા ધાબળા, કાળા ચંપલ, કાળા તલ, કાળા અડદનું દાન કરવાનું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

⦁ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસે સરસવના તેલથી શનિ મહારાજને અભિષેક કરવાથી શનિદેવ ભક્તની દરેક ભૂલને માફ કરી દે છે !

⦁ શક્ય હોય તો આ દિવસે શનિમંદિરમાં જઇને દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ.

⦁ આ દિવસે શનિદેવની સન્મુખ તલના તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ.

⦁ માન્યતા અનુસાર શનિવારી અમાસે “ૐ શં શનેશ્ચરાય નમઃ” મંત્રનો અથવા તો અન્ય કોઈપણ શનિ મંત્રનો 108 વખત જાપ કરવાથી પનોતીમાં રાહતની પ્રાપ્તિ થશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles