ઘરની સૌથી પવિત્ર અને શુદ્ધ જગ્યા હોય તો તે ઘરનું મંદિર છે. ઘરના મંદિરમાં દેવી દેવતા નિવાસ કરતા હોય છે અને તેમના પૂજા પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું પૂજા સ્થાન હંમેશા ઇશાન ખૂણામાં હોવું જોઇએ. ઇશાન ખૂણો દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ દિશામાંથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
વાસ્તુમાં ઘરના પૂજા સ્થાન પર ઓમકાર (ૐ), સ્વસ્તિક, શ્રી જેવા ધાર્મિક ચિન્હો બનાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કહે છે કે દેવાની સમસ્યા હોય કે કામધંધો બરાબર ન ચાલી રહ્યો હોય તો ઘરના પૂજા સ્થાન પર વાસ્તુ અનુસાર કેટલાક શુભ નિશાન બનાવવા જોઈએ. જેનાથી સમસ્યાથી મુક્તિ મળી શકે છે. તેમજ જીવન વધુ સરસ બની જતું હોય છે. માન્યતા અનુસાર આ ચિન્હો વ્યક્તિને આર્થિક સંકટમાંથી ઉગારી લે છે અને માતા લક્ષ્મીની કૃપા પણ વરસાવે છે. સાથે જ જીવનમાં સર્વમંગલ કાર્યો બનતા રહેશે. તો ચાલો, આજે આવાં જ શુભ ચિન્હો વિશે માહિતી મેળવીએ.
ઓમકાર
ઘરના પૂજા સ્થાનમાં કેસર કે ચંદનથી ઓમકારનું (ૐ) ચિન્હ બનાવવું જોઇએ. માન્યતા છે કે પૂજા સ્થાનમાં ઓમ બનાવવાથી અને તેના જાપ કરવાથી સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. સાથે જ તેના શુભ સંચારથી ઘર-પરિવારમાં ચાલી રહેલ તણાવ દૂર થાય છે. કેસર કે ચંદનથી બનેલ ઓમકાર સામાજીક અને પારિવારિક જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓનો અંત લાવે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલી જાય છે.
સ્વસ્તિક
ઘરમાં રહેલ પૂજા સ્થાન અને મુખ્ય દ્વારની બંને તરફ હળદરથી સ્વસ્તિકની આકૃતિ બનાવવી જોઈએ. તેમજ તેની નીચે શુભ-લાભ લખવું જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જ્યારે પણ સ્વસ્તિકનું ચિન્હ બનાવીએ ત્યારે ધ્યાનમાં રાખવું કે તે 9 આંગળી લાંબુ અને પહોળું હોવું જોઇએ. આ ચિન્હ બનાવવાથી ઘરમાં અશુભ તત્વોનો પ્રવેશ અટકી જાય છે અને માતા લક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ થાય છે. તેનાથી આપની કારકિર્દીમાં પ્રગતિના યોગ પણ બનશે.
‘શ્રી’નું ચિન્હ
શ્રીનું ચિન્હ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરના મંદિરમાં સિંદૂર કે કેસરથી બનાવવું જોઇએ. આ ચિન્હ બનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રીનું ચિન્હ બનાવવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી સર્જાતી. પૂજાસ્થાન પર શ્રીનું ચિન્હ બનાવવાથી માતા લક્ષ્મી સ્વયં આપના ઘરમાં નિવાસ કરે છે.
મંગળ કળશ
ઘરના પૂજા સ્થાન પર સિંદૂરથી મંગળ કળશનું ચિન્હ બનાવવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. આ ચિન્હ ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવે છે અને દરેક પ્રકારની અડચણોને દૂર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળ કળશને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેનાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે. સાથે જ આ ચિન્હ ધનની આવકમાં વૃદ્ધિની સાથે પરિવારના સભ્યોની પ્રગતિ પણ કરે છે.
‘પદ્મ’નું ચિન્હ
ઘરમાં રહેલ પૂજા સ્થાન પર કેસર, ચંદન કે સિંદૂરથી પદ્મ (કમળ) કે અષ્ટદલ કમળનું ચિન્હ બનાવવું શુભ માનવામાં આવે છે. આ ચિન્હ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિન્હ બનાવવાથી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન-ધાન્યની ઉણપ નથી રહેતી. પદ્મની આકૃતિથી વ્યક્તિને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના તણાવમાંથી મુક્તિ મળે છે.
ગાયના ખુરનું ચિન્હ (પગ, નખની આકૃતિ)
તમે તમારા ઘર મંદિરમાં ગાયના ખુર અથવા તો માતા લક્ષ્મીના ચરણ બનાવી શકો છો. આ મંગળનું પ્રતિક માનવામાં આવે છે. ગાયના ખુર બનાવવાથી દરેક દેવી-દેવતાઓની કૃપા આપની પર બનેલી રહે છે અને જીવનમાં મંગળ જ મંગળ બને છે. જો નોકરી, વ્યાપાર કે ધંધામાં સ્થિતિ સારી નથી ચાલી રહી તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા સ્થાન પર શુભ સમય જોઇને ગાયના ખુર કે માતા લક્ષ્મીના ચરણ અવશ્ય બનાવો. આ ઉપાય કરવાથી આપના પર દરેક દેવી-દેવતાઓના આશીર્વાદ વરસશે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)