fbpx
Tuesday, September 10, 2024

શું પ્રેમ લગ્ન સતત અવરોધોને કારણે નથી થતા? વરદ ચતુર્થીના દિવસે બાળ ગણેશ આપશે લગ્નનું વરદાન!

આજે મહા મહિનાની વિનાયક ચતુર્થી છે. ભારતના ઘણાં પ્રાંતમાં આ ચતુર્થીને જ ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ ચતુર્થી વરદ ચતુર્થી તરીકે પણ ઓળખાય છે અને તેના નામ પરથી જ તે ભગવાન ગણેશના વરદાનની, એટલે કે શુભાશિષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. માન્યતા અનુસાર આજના દિવસે કેટલાંક અત્યંત સરળ ઉપાયો અજમાવીને તમે જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો.

કહે છે કે સંપત્તિ સંબંધી પ્રશ્નો સતાવી રહ્યા હોય અથવા પ્રેમ લગ્નમાં અડચણો આવી રહી હોય, તો તેનું નિરાકરણ પણ આજના સરળ ઉપાયો દ્વારા મળી શકે છે ! ત્યારે આવો, આજે કેટલાંક આવાં જ ફળદાયી ઉપાયો વિશે જાણીએ.

કારકિર્દીમાં પ્રગતિ અર્થે

માન્યતા અનુસાર કારકિર્દીમાં પ્રગતિ માટે આજના દિવસે કરેલ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ઉજ્જવળ કારકિર્દી માટે આજના દિવસે કરેલો ઉપાય તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. આ માટે હળદરની 5 ગાંઠ લો અને “શ્રી ગણાધિપતયે નમ:” મંત્રનો ઉચ્ચાર કરતા કરતા એક એક હળદરની ગાંઠ ગણેશજીને અર્પણ કરો. ગણેશ જયંતીના દિવસથી સતત 10 દિવસ સુધી આ ઉપાય કરવો. કહે છે કે આ પ્રયોગથી નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થશે અને આપની બઢતીના દ્વાર ખુલશે. હળદર સાથે સંબંધિત આ ઉપાય કરવાથી આપની કારકિર્દીમાં પ્રગતિ જોવા મળશે.

સુખી દાંપત્યજીવન અર્થે

આજે મહા વિનાયક ચતુર્થીએ પાનમાં સિંદૂર લગાવી તે પાન વડે ગણેશજીને તિલક કરવું. ત્યારબાદ ગજાનનના ચરણોમાં રહેલ સિંદૂર વડે પોતે તિલક કરવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના વૈવાહિક જીવનના વિઘ્નો દૂર થઈ જશે. અને પતિ-પત્ની વચ્ચે સૂમેળભર્યા સંબંધો રહેશે.

પ્રેમ લગ્ન આડેના અવરોધો દૂર કરવા

ગણેશ જયંતીના દિવસે બાળ ગણપતિને 5 લવિંગ અને 5 ઇલાયચી અર્પણ કરો. પછી પ્રેમ લગ્ન માટેની કામના કરો અને બીજા દિવસે લવિંગ અને ઇલાયચીને એક કપડામાં બાંધીને પોતાની પાસે રાખી લો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી આપના પ્રેમ લગ્નમાં આવી રહેલ અવરોધો દૂર થશે અને વિવાહ માટે પરિવારની પણ સંમતિ મળશે.

સંપત્તિનો વિવાદ ઉકેલવા

જો ઘરમાં સંપત્તિ સંબંધી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો આ ઉપાય જરૂરથી અજમાવવો. ચાંદીનો એક નાનકડો ચોરસ ટુકડો લઈને ગણેશજીને અર્પણ કરો. કહે છે કે આ ઉપાય કરવાથી સંપત્તિનો વિવાદ તો દૂર થાય જ છે, સાથે જ પરિવારજનો વચ્ચેના પ્રેમમાં પણ વૃદ્ધિ થાય છે.

સુખ-સૌભાગ્ય અર્થે

આજની મહા સુદ ચોથની તિથિ ગજાનનનો જન્મ દિવસ મનાય છે. જેને લીધે જ તે અત્યંત ફળદાયી મનાય છે. ગણેશ જયંતીના આ દિવસે ગૌરી પુત્રને 8 મુખી રુદ્રાક્ષ અર્પણ કરવાનું માહાત્મ્ય છે. કહે છે કે તેનાથી વ્યક્તિના સૌભાગ્ય અને સુખમાં વૃદ્ધિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles