ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે. તેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન પક્ષીરાજ ગરુડ વચ્ચે થયેલા સંવાદનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. પણ, આ સંવાદમાં એક શ્લોક એવો છે કે જેમાં મનુષ્યના સુખી જીવનનું રહસ્ય છૂપાયેલું છે. જેને જીવનમાં ઉન્નતિની મનશા હોય કે પછી સુખની કામના હોય, તે જો ગરુડ પુરાણમાં વર્ણિત આ ઉપાય અજમાવે તો ચોક્કસથી તેને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.
આખરે શું છે આ શ્લોક અને શું છે તેનો ગુઢાર્થ ? આવો સમજીએ.
ગરુડ પુરાણમાં સફળતાનું રહસ્ય !
વિષ્ણુરેકાદશી ગીતા તુલસીવિપ્રધેનવઃ ।
અસારે દુર્ગસંસારે ષટ્પદી મુક્તિદાયિની ।।
ગરુડ પુરાણમાં વર્ણિત આ શ્લોકનો ભાવાર્થ છે કે, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, એકાદશીનું વ્રત કરવું, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન કરવું, તુલસીજીની સંભાળ રાખવી, બ્રાહ્મણનું સન્માન કરવું અને ગાય માતાની સેવા કરવી. કહે છે કે જે વ્યક્તિ આ 6 બાબતોનું ધ્યાન રાખે છે, તેના જીવનના તમામ પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે. આ કાર્ય જીવ માત્રને સુખ પ્રદાન કરી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.
ભગવાન વિષ્ણુ
ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના દરેક પ્રકારના દુઃખ દૂર કરી તેમને જીવનમાં સુખ-શાંતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય નિત્ય પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુના પૂજા-અર્ચનથી કરે છે, તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ધ્યાન રાખો, કે ભગવાનની પૂજા કરતાં પહેલા સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને શુદ્ધ થવું પછી જ પૂજા પાઠ કરવા.
એકાદશીનું વ્રત
ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. પુરાણો અનુસાર જે મનુષ્ય દરેક એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે, તેમને નિશ્ચિત તેનું શુભ ફળ મળે જ છે. એકાદશીના દિવસે જુગાર રમવો, મદ્યપાન કરવું બિલ્કુલ જ વર્જિત છે. આ પવિત્ર દિવસે લોકો સાથે વાદ-વિવાદમાં ઉતરવાનું પણ ટાળવું જોઈએ. આમ તો માત્ર એકાદશી પર જ નહીં, પણ, સંપૂર્ણ જીવન દરમ્યાન આ પ્રકારની બદીઓથી દૂર રહેવું જોઇએ.
ગીતા પઠન
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે. એવું કહે છે કે ઘરમાં ભગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ. તેનાથી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ તેને મનની શાંતિ પણ મળે છે. નિત્ય ગીતા પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે, મનુષ્યને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તે જીવનમાં સફળતાના તમામ દ્વારને ખોલી દે છે.
તુલસીનો છોડ
તુલસીજી એ લક્ષ્મી સ્વરૂપા મનાય છે. એટલે તુલસીને પોતાના ઘરમાં જરૂરથી રોપવા જોઈએ. નિત્ય તેમને જળ અર્પણ કરવું જોઇએ અને તેમની પૂજા કરવી જોઈએ. આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીપત્ર અર્પણ કરવું જોઇએ અને વિષ્ણુ પૂજા બાદ તુલસીજીની પૂજા જરૂરથી કરવી જોઇએ.
પંડિત કે જ્ઞાનીનું સન્માન કરો
પંડિત કે જ્ઞાની મનુષ્યનું હંમેશા સન્માન કરવું જોઇએ. કેટલાક લોકો તેમની મજાક ઉડાવતા હોય છે. જે ખૂબ જ ખોટી બાબત છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે અને તેમણે જણાવેલ વાતોનું પાલન કરે છે, તેઓ દરેક પ્રકારની સમસ્યામાંથી સરળતાથી નીકળી જાય છે અને તેમને દરેક કાર્યોમાં સફળતા મળે છે.
ગાય માતા
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરના અલગ અલગ ભાગમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવતાતુલ્ય માનીને પૂજા અર્ચના કરે છે, તેની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવી જાય છે. ગાયની પૂજા કરવાથી અને તેને ભોજન કરાવવાથી મનુષ્યને જાણતા-અજાણતા થયેલ પાપકર્મમાંથી મુક્તિ મળે છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)