દર મહિને પુષ્ય યોગ આવે છે, પણ આ વખતે એપ્રિલ મહિનામાં આવતા આ યોગનું વિશેષ મહત્વ છે. આ વખતે પુષ્ય યોગ ગુરુવારે આવી રહ્યો તેથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.
ગુરુવારે 27 એપ્રિલે પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. સંયોગની વાત એ છે કે 12 વર્ષ પછી ગુરુનું મેષ રાશિમાં આગમન થવા જઇ રહ્યું છે અને આ રાશિમાં ગુરુ ઉદિત પણ થઇ રહ્યો છે. એવામાં ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બનવો આ દિવસને વધુ ફળદાયી બનાવી રહ્યો છે. આ દિવસે બનેલ સંયોગ અક્ષય તૃતીયા સમાન લાભદાયી બનશે. ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ એ ખૂબ શુભ યોગ કહેલો છે, ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે આ શુભ યોગ રચાય છે અને તે યોગમાં ધંધા-રોજગારીના ચોપડા ખરીદવા, સોનુ, ચાંદી, વાસણો, વાહનો, દસ્તાવેજ, તેમજ દેવ-દેવી કે વિશિષ્ટ ઉપાસના હેતુ યંત્ર ખરીદવા કે સિદ્ધ કરવા અને કોઈ પૂજા સાધના માટે આ દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે.
તા. 27/4/23 ગુરુવાર ના રોજ ગુરુ, સૂર્ય, બુધ, રાહુ 4 ગ્રહો જે મેષ રાશિમાં ભ્રમણ કરે છે. તેની સાથે આ દિવસે ગુરુ ગ્રહના જાપ કરવા પણ હિતકારી છે ઉપરાંત શિવ મંદિરમાં જળ અભિષેક, પીપળાના વૃક્ષને જળ સિંચન કરતાં પ્રદક્ષિણા કે વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ પણ ઉત્તમ ફળદાયી છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગના દિવસે શું કરવું
ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે નવા ઘરનો પાયો નાખવો કે પછી ભૂમિપૂજન કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
નવી દુકાન કે પછી ઓફિસનું ઉદ્ઘાટન એ શુકનિયાળ સાબિત થાય છે.
આ દિવસે સોનું અને ચાંદી કે પછી નવા વાહનની ખરીદી શુભ માનવામાં આવે છે.
આ દિવસે નવું મકાન ખરીદવું અને કે પછી નવા ઘરમાં શિફ્ટ થવું શુભ હોય છે.
આ દિવસે મહત્વનો સોદો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગના દિવસે શું ન કરવું
આ દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપરોક્ત જણાવવામાં આવેલા તમામ કાર્યો માટે આ દિવસ ખૂબ જ શુભ છે, પરંતુ આ દિવસે લગ્ન કરવાનું ટાળો. આ દિવસ લગ્ન માટે જરા પણ યોગ્ય નથી. તમે પણ આ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ પર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો, પણ તેમ છતાં લગ્ન કરવાનું શુભ નથી માનવામાં આવતું એટલે એવું કરવાનું ટાળો.
(નોંધ : અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને અમે તેનાથી સંબંધિત કોઈ દાવો કરતા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)