ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 6 સપ્ટેમ્બરે આ પર્વ ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે આમ તો લોકો તેમને 56 પ્રકારના પ્રસાદનો ભોગ લગાવે છે.
પરંતુ કહેવામાં આવે છે કે, આ અવસરે શ્રીકૃષ્ણના સૌથી મનપસંદ પાંચ પ્રસાદનો ભોગ લગાવીને પણ તમે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
માખણ છે ખૂબ જ પ્રિય
ભગવાન શ્રીકૃષ્ણને માખણનો ભોગ જરૂર લગાવવો જોઇએ. માખણ કાનુડાને સૌથી પ્રિય છે. કથાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં પણ પોતાના સખા સાથે માખણ ચોરી કરીને ખાતા હતાં, તેથી તેમને માખણચોર પણ કહેવામાં આવે છે.
પંચામૃતનો ભોગ લગાવો
ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત પણ ખૂબ જ પ્રિય છે. ગાયના દૂધ, દહીં, મધ, દેશી ઘી, ગંગાજળ અને તુલસી સાથે પંચામૃત તૈયાર કરીને તેનો ભોગ કાનુડાને જન્મોત્સવના દિવસે ધરવો જોઇએ. તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે.
પંજીરી પણ પ્રિય
ભગવાન શ્રીકૃષ્ણને જન્માષ્ટમીના દિવસે પંજીરી બનાવીને તેનો ભોગ ધરવો જોઇએ. તેને દેશી ઘીમાં તૈયાર કરવુ જોઇએ. તેમાં કાજુ અને સૂકામેવા પણ નાંખવા જોઇએ. તે પણ કાન્હાજીને ખૂબ જ પ્રિય છે.
ખીરનો લગાવો ભોગ
માખણ-મિશરી ઉપરાંત ભગવાન કૃષ્ણને ચોખાની ખીરનો ભોગ ધરાવવો ઉત્તમ માનવામાં આવે છે. આ ખીરને શુદ્ધ ગાયના દૂધથી બનાવવી જોઇએ. જન્માષ્ટમીના દિવસે ખીરનો ભોગ લગાવવાથી પણ ભગવાન શ્રીકૃષ્મની કૃપા ભક્તો પર વરસે છે.
જરૂર ચડાવો કાકડીનો પ્રસાદ
આ બધી વસ્તુઓ ઉપરાંત શ્રીકૃષ્ણને કાકડીનો ભોગ પણ જરૂર ધરાવવો જોઇએ. માન્યતા છે કે કાકડી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે, તેથી તેમને પ્રસાદમાં કાકડી જરૂર ધરાવો. તેનાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)