fbpx
Friday, December 6, 2024

જાણો પયોવ્રત કરવા પાછળ શું છે પૌરાણિક કથા

ફાગણ મહિનામાં આવતા હોળી-ધુળેટી પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં રહેતી મહિલાઓ આ સમયે બાર દિવસનું પયોવ્રત પણ કરે છે. આ વર્ષો જૂની પરંપરા આજે પણ લોકો નિભાવી રહ્યા છે. પયોવ્રત ખાસ સંતાન પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

પયોવ્રત એટલે સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવતું વ્રત

હોળીના સમયગાળા દરમિયાન ખાસ પરણિત મહિલાઓ પયોવ્રત કરતી હોય છે. પયોવ્રત એટલે સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવતું વ્રત. આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ કરે છે. તથા દૂધમાંથી બનાવેલી ખીર જેવી વસ્તુ આરોગે છે. આ સિવાય ભગવાનનું ભજન-પાઠ કરવા, અગ્નિદેવને 108 વખત મંત્રજાપ સાથે આહુતિ આપવી, ભગવાનનું ધ્યાન ધરવું, દાન-પુણ્ય કરવું વગેરે પણ કરે છે.

આ પયોવ્રત કરવા પાછળ એક પૌરાણિક કથા રહેલી છે. જેમાં સતયુગમાં ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિનું રાજ હતું. ત્યારે રાજા બલિ સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપવા ઈચ્છતા હતા. તેથી તેમણે પોતાના દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસેથી આજ્ઞા મેળવી નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. જ્યાં 100મો યજ્ઞ પૂર્ણ થાય એ પહેલાં સ્વયં દેવઓની માતા અદિતિ દેવતાઓનું દુ:ખ દૂર કરવા અને તેમનું રાજ પાછું અપાવવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે.

વામન ભગવાને રાજા બલિ પાસે માત્ર ત્રણ પગ જમીન માંગી

ભગવાન વિષ્ણુ દેવ માતા અદિતિને ત્યા વામન સ્વરૂપમાં જન્મ લઈ રાજા બલિના યજ્ઞમાં પહોંચ્યા. જ્યાં બાળ બ્રહ્મચારી વામન દેવને જોઈને રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું અને દાન માંગવા માટે કહ્યુ. ત્યારે વામન ભગવાને રાજા બલિ પાસે માત્ર ત્રણ પગ જમીન માંગી. ત્યારે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય રાજા બલિને ત્રણ પગ જમીન આપવાનીના પાડે છે.

પરંતુ રાજા બલિએ ભગવાન વામનને દાન આપવાનું વચન આપ્યું હતું. રાજા બલિ વિચારે છે કે, તેઓ ત્રણ લોકના સ્વામી છે. તેથી ત્રણ પગ જમીન તો સરળતાથી આપી શકે. અંતે ભગવાન વામનને પોતાના ત્રણ પગ જમીન માપવાનું કહે છે. ત્યારે ભગવાન વામનમાંથી વિરાટ બની પોતાના એક પગથી પૃથ્વી અને બીજામાં આકાશ માપી લે છે.

જ્યારે ત્રીજો પગ મૂકવાનો વારો આવ્યો ત્યારે ભગવાન વામન રાજા બલિને ત્રીજો પગ કયા મૂકવો એમ પૂછે છે. ત્યારે રાજા બલિ ભગવાન વામનને ત્રીજો પગ તેમના માથા પર મૂકવાનું કહે છે. પરંતુ ભગવાન વામન રાજા બલિના માથા પર ત્રીજો પગ રાખતાની સાથે જ રાજા બલિ સીધો પાતાળમાં જતો રહે છે. એ પછી ભગવાન વામન રાજા બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈ તેને પાતાળનો સ્વામી બનાવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles