હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિશેષ છે. મહાશિવરાત્રી એ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહા વદ ચૌદસ તિથિએ થયા હતા. આ કારણોસર, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જે લોકો ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરે છે, તેમની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવ એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. ચાલો જાણીએ મહાશિવરાત્રી 2023 નો શુભ સમય, મહત્વ અને પૂજાની રીત.
મહાશિવરાત્રી 2023 તારીખ અને શુભ સમય
હિંદુ કેલેન્ડર અનુસાર, આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. પંચાંગ ગણતરી મુજબ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રે 08:02 વાગ્યાથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 04:18 વાગ્યા સુધી રહેશે.
મહાશિવરાત્રીનું મહત્વ
હિંદુ શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે. પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રથમવાર પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું. આ કારણોસર, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે.
આ સિવાય ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહા માસની વદ ચતુર્દશીના રોજ થયા હતા, આ કારણથી મહાશિવરાત્રી પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર વ્રત રાખવાથી અને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિનું દામ્પત્ય જીવન સફળ રહે છે.
મહાશિવરાત્રી પૂજા પદ્ધતિ
મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ આવે છે. મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો. પછી એક જળકળશ લઇ ગંગાજળના થોડા ટીપાં નાંખો અને તેમાં દૂધ, બીલીપત્ર, આકળો અને ધતુરાના ફૂલ વગેરે શિવલિંગને અર્પણ કરો. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા દરમિયાન શિવ ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર નિશિથ કાળમાં શિવની પૂજા કરવી શ્રેષ્ઠ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)