મકરસંક્રાંતિના દિવસે કેટલાક કામો વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ. તેના માટે આપે વિશેષ ધ્યાન રાખવું જોઇએ. મકરસંક્રાંતિના પર્વ પર આખા દેશમાં હર્ષોલ્લાસ જોવા મળે છે. આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એ જ કારણથી આ પર્વનું નામ મકરસંક્રાંતિ પડયું છે. આ સમયે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને એવી માન્યતા છે કે આ દિવસે દાન-પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
આ વખતે સંક્રાંતિ 14 જાન્યુઆરીએ રાત્રિએ થઈ રહી છે. એટલે, દાન-ધર્મ માટેનો શ્રેષ્ઠ દિવસ 15 જાન્યુઆરી, રવિવારે રહેશે. પણ, આ દિવસે શું કરવું તેના કરતાં પણ એ વિશેષ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે શું ભૂલથી પણ ન કરવું જોઈએ. આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
તામસિક ભોજન ગ્રહણ ન કરવું
મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ તામસિક ભોજનનું સેવન ન કરવું જોઇએ. આ પ્રકારના ભોજનથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે અને તેની સાથે આપની માનસિક સ્થિતિ પર પણ તેનો પ્રભાવ પડે છે. ભૂલથી પણ મકરસંક્રાંતિના દિવસે માંસાહારનું તેમજ લસણ, ડુંગળીનું સેવન તો ન જ કરવું જોઇએ. મકરસંક્રાંતિના દિવસે સૌપ્રથમ પ્રભુને સાત્વિક ભોજનનો ભોગ અર્પણ કરવો અને ત્યારબાદ જ આપે ભોજન ગ્રહણ કરવું જોઇએ.
ગરીબોને પરેશાન ન કરો !
માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગરીબોને દાન આપવાથી વ્યક્તિની તમામ મનોકામનાની પૂર્તિ થાય છે. તો, સાથે જ એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, આ દિવસે ભૂલથી પણ કોઇ ગરીબ વ્યક્તિને પરેશાન ન કરવા જોઇએ. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું જોઇએ. આ પ્રકારના કાર્યોની આપના જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. ગરીબોને પરેશાન કરવાથી ક્યારેય તમને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત નહીં થઈ શકે ! આ દિવસે જો તમારા ઘરે કોઇ માંગનાર વ્યક્તિ કે ભૂખ્યો માણસ આવે તો તેને ખાલી હાથે ક્યારેય પાછો ન મોકલવો જોઇએ.
વાણી પર સંયમ રાખો !
મનુષ્યના હિતમાં એ જ છે કે તે વાણી પર સંયમ રાખે. એમાં પણ, મકરસંક્રાંતિના દિવસે તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આપે વાણી પર સંયમ રાખવો જોઇએ અને ભૂલથી પણ કોઇ અપશબ્દ ન નીકળે તેની ખાસ કાળજી લેવી જોઈએ.
મદિરાપાન ન કરવું જોઇએ
મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ મદિરાપાન ન કરવું જોઇએ. આ દિવસે મદિરાપાનથી આપની આર્થિક સ્થિતિ ખરાબ બની શકે છે. જો તમે મદિરા કે તેના જેવા કોઇ નશીલા પદાર્થનું સેવન કરો છો તો આપના ઘરની સુખ-સમૃદ્ધિ પર તેની અસર પડી શકે છે.
પવિત્ર નદીમાં સ્નાન કરવું
મકરસંક્રાંતિએ ગંગા જેવી કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ માહાત્મ્ય રહેલું છે. તેમાં સ્નાન કરવાથી આપના સમસ્ત પાપોનો અંત આવે છે અને આપની સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. મકરસંક્રાંતિના દિવસની શરૂઆત જ પવિત્ર નદીમાં સ્નાનથી કરવી જોઇએ. જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા બહાર નથી જઇ શકતા, તો તમારે ઘરમાં રહેલ ગંગાજળનો ઉપયોગ આપના સ્નાનના પાણીમાં કરવો જોઇએ.
સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો
મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરતા સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. યાદ રાખો, સૂર્યને જળ અર્પણ કરતી વખતે તે જળમાં કુમકુમ અને કાળા તલ અવશ્ય ઉમેરવા.
ખીચડીનું દાન કરો
મકરસંક્રાંતિના દિવસે મુખ્યરૂપે દાળ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે ખીચડી બનાવીને ગરીબોને દાન કરો છો અને સાથે જ ખીચડીનું સેવન કરો છો તો તમારા જીવન માટે તે ખૂબ શુભદાયી બની રહેશે. આ દિવસે ખીચડી આરોગવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખીચડીના દાનની સાથે આપના સામર્થ્ય અનુસાર ધનનું દાન કરવું જોઇએ. જો તમે અનાજનું દાન કરી રહ્યા હોવ તો તેના માટે કાળા તલ અને જવ શ્રેષ્ઠ દાન છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)