દર મહિનાના સુદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી અને વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. બંન્ને પક્ષની ચોથ આમ તો શ્રીગણેશને સમર્પિત છે. મોટા ભાગે ગણેશ ભક્તો સંકષ્ટીનું વ્રત તો કરતા જ હોય છે. પરંતુ, વિનાયક ચતુર્થીનું પણ એક આગવું જ મહત્વ છે. એમાં પણ મહા માસની વિનાયક ચતુર્થીએ ગણેશ પૂજા કરવી અત્યંત લાભદાયી મનાય છે.
કારણ કે, તે જ ગણેશ જયંતી તરીકે પણ ઓળખાય છે ! આજે આ જ શુભ સંયોગ આપણને પ્રાપ્ત થયો છે. ત્યારે આવો જાણીએ કે શું છે આ તિથિનો મહિમા ? અને કેવાં પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવશે આ દિવસ ?
વરદ ચતુર્થી
મહા માસની વિનાયક ચતુર્થીને વરદ ચતુર્થી કે ગણેશ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો ભાદરવા સુદ ચોથનો દિવસ ગણેશજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. પરંતુ, એક માન્યતા એવી પણ પ્રચલિત છે કે ગણેશજીનો જન્મ માઘ (મહા) મહિનાના સુદ પક્ષની ચતુર્થીએ થયો હતો. કેટલાંક પ્રાંતમાં આ જ તિથિને ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. એ જ કારણ છે કે આજના દિવસે ગણેશ પૂજાનો સવિશેષ મહિમા છે. એટલું જ નહીં, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે આર્થિક સંકટમાંથી મુક્તિની પ્રાપ્તિ પણ કરી શકો છો.
ઋણથી મુક્તિ અર્થે
જો તમે દેવાના બોજ તળે દબાયેલા છો અથવા તો ઘણાં સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આ ઉપાય આજે જરૂરથી અજમાવો. 108 દૂર્વા લો. તેને ગંગાજળમાં ડૂબાડીને હળદરમાં રગદોળી લો. ત્યારબાદ આ 108 દૂર્વાને “શ્રી ગજવકત્રમ નમો નમઃ” બોલતા બોલતા શ્રીગણેશને અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ધીમે ધીમે એવાં સંજોગો સર્જાય છે કે સાધક દેવામાંથી મુક્ત થઈ શકે !
લક્ષ્મી પ્રાપ્તિ અર્થે
ગજાનન શ્રીગણેશ શુભત્વના દાતા છે. સાથે જ રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ કરાવનારા પણ છે. ત્યારે વરદ ચતુર્થીના દિવસે 108 વખત ગણપતિ કુબેર મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. આ મંત્ર છે “ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ।” માન્યતા અનુસાર આ મંત્રના જાપથી ઘરમાં રિદ્ધિનું એટલે કે સમૃદ્ધિનું આગમન થાય છે.
બુધ ગ્રહની શાંતિ
આજે ગણેશ જયંતી અને બુધવારનો શુભ સંયોગ છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે બુધ ગ્રહના દોષોને દૂર કરવા માટે આ સંયોગ ખૂબ જ ફળદાયી છે. એટલે શક્ય હોય તો આ દિવસે ગણેશ મંદિરે જઈને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે જરૂરિયાતમંદને પણ લીલા રંગના વસ્ત્ર કે લીલા રંગની વસ્તુઓનું દાન કરી શકો છો. કહે છે કે તેનાથી બુધ ગ્રહ સંબંધી દોષ દૂર થાય છે અને વ્યક્તિના અટકેલા કાર્ય પણ ઝડપથી પૂરા થાય છે.
ગણેશ કૃપા અર્થે
ચોખામાં મગની ફોતરાવાળી દાળ ઉમેરીને કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને તેનું દાન કરવું. એટલું જ નહીં, આજે મગની પલાળેલી દાળ પક્ષીઓને ચણમાં નાંખવી. કહે છે કે તેનાથી ગણેશજી સવિશેષ પ્રસન્ન થાય છે અને ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી દે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)