fbpx
Saturday, October 26, 2024

ઉત્તરાખંડના પ્રસિદ્ધ ચારધામોમાંના એક ‘કેદારનાથ’નો મહિમા જાણો!

સમગ્ર ભારતમાં શિવાલયો તો અનેક છે. પણ, ભક્તોને મન સવિશેષ મહિમા હોય છે જ્યોતિર્લિંગના દર્શનનો. ત્યારે અમારે આજે કરવી છે શિવજીના એ જ્યોતિર્મય રૂપની વાત કે જે દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. એટલું જ નહીં, ઉત્તરાખંડના ચારધામની યાત્રામાં તે ધરાવે છે અદકેરું જ સ્થાન. અને આ ધામ એટલે કેદારનાથ ધામ.

આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલી ચૂક્યા છે. આ એ સમય છે કે જ્યાં ભક્તોને કપાટ ખૂલતાં જ કેદારનાથના દર્શનનો લાભ મળ્યો છે. ત્યારે આવો, દર્શનાર્થે ન જઈ શકનારા ભાવિકોને પણ અમે આ પાવનકારી ધામની મહત્તા જણાવીએ.

કેદારનાથ ધામ એ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારથી તે લગભગ 251 કિ.મી.ના અંતરે સ્થિત છે. અહીં સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ ‘કેદારનાથ’ રૂપે વિદ્યમાન થયા છે. કેદારેશ્વરના દર્શન માટે શ્રદ્ધાળુઓ વાહન માર્ગે હરિદ્વાર કે ઋષિકેશથી ગૌરીકુંડ સુધી પહોંચતા હોય છે.

ગૌરીકુંડમાં ગરમપાણીના કુંડ આવેલાં છે. શ્રદ્ધાળુઓ તેમાં સ્નાન કરે છે. મૈયા ગૌરીના દર્શન કરે છે. અને ત્યારબાદર મંદિર સુધી પહોંચવાની 14 કિ.મી. લાંબી પદયાત્રાનો પ્રારંભ કરે છે. અલબત્, જેમને જરૂર હોય તેમના માટે પાલખી અને ઘોડાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મંદિર સુધી પહોંચવાનો આ પથ ઘણો વિકટ છે.

કેદારનાથ મંદિર એ કત્યૂરી સ્થાપત્ય શૈલીથી નિર્મિત છે. વિશાળ શિલાઓને જોડીને તેને બાંધવામાં આવ્યું છે. અને તે ભારતની પ્રાચીન વાસ્તુકલાની સમૃદ્ધતાની સાક્ષી પૂરે છે. શ્રદ્ધાળુઓ મંદિરના પ્રાંગણમાં રહેલાં પ્રાચીન નંદીના દર્શન કરે છે. અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરે છે.

કેદારનાથ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રવેશદ્વાર, બીજું સભા મંડપ અને ત્રીજું ગર્ભગૃહ. સભા મંડપની ચારે બાજુ પાંડવોની પાષાણની પ્રતિમાઓ શોભાયમાન છે. સભામંડપના આ સૌંદર્યને માણી શ્રદ્ધાળુઓ જ્યારે મંદિરના ગર્ભગૃહમાં પહોંચે છે, ત્યારે તેમને થાય છે દેવાધિદેવના અત્યંત ભવ્ય રૂપના દર્શન.

કેદારધામમાં મહાદેવ અન્ય જ્યોતિર્લિંગથી ભિન્ન એક શિલા રૂપે બિરાજમાન થયા છે. કહે છે કે અહીં તો મહેશ્વર આ જ રૂપે પ્રગટ થઈ વિદ્યમાન થયા હતા ! આ સ્થાનકની વિશેષતા એ છે કે, ભક્તો અહીં સ્વહસ્તે મહાદેવની પૂજા કરી શકે છે. કેદારેશ્વરને ઘી લેપનનો સવિશેષ મહિમા છે. માન્યતા અનુસાર કેદારનાથના આ સ્વરૂપના તો દર્શનથી જ જીવ માત્રના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles